જુનાગઢનો ઉપરકોટ કિલ્લો દીપડાની દહેશતના કારણે સતત પાંચમા દિવસે બંધ, તહેવારમાં ફરવા આવેલા પ્રવાસીઓ નિરાશ

જૂનાગઢમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન ઉપરકોટ કિલ્લા પર આશરે પચાસ હજાર જેટલા પ્રવાસીઓ ઉમટી પડવાનો અંદાજ હોય છે, પરંતુ દીપડાની દહેશતના કારણે મુખ્ય પ્રવાસન સ્થળ સળંગ પાંચમા દિવસે પણ બંધ રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સ્થળે દીપડો ઘૂસી જતાં વન વિભાગ દ્વારા વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, છતાં અત્યંત ચપળ દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થતા પ્રવાસીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
દીપડાને પકડવા વનવિભાગની તજવીજ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં રવિવારની રજા હોવાથી પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી, તે દરમિયાન અચાનક એક દીપડો કિલ્લાના પરિસરમાં ઘૂસી આવ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને વન વિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે પ્રવાસીઓથી ઉભરાતા ઉપરકોટ કિલ્લાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની તેમજ સઘન તપાસની તજવીજ હાથ ધરી હતી.

