VIDEO: સિંહોના હુમલા રોકવા થર્મલ ડ્રોન અને AI આધારિત મોનિટરિંગ કરાશે, વન વિભાગના અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
ગીરની બોર્ડર પર સિંહોના માનવ પર વધી રહેલા જીવલેણ હુમલાઓને પગલે આખરે વન વિભાગ ઊંઘમાંથી જાગ્યું છે. આ હુમલાઓને રોકવા માટે સાસણમાં વનવિભાગની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં, જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલના CF ડો. રામ રતન નાલાએ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી છે.
AI આધારિત મોનિટરિંગ વધારાશે
વન વિભાગનો દાવો છે કે હુમલાની ઘટનાઓ અટકાવવા માટે હવે ટેકનોલોજીનો આશરો લેવામાં આવશે, જેમાં થર્મલ ડ્રોન, પ્રી-એલાર્મિંગ સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત મોનિટરિંગ વધારવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે કે, જ્યારે સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂકાય છે ત્યારે જ વન વિભાગને આવી હાઈટેક સિસ્ટમ કેમ યાદ આવે છે? તંત્ર ક્યાં સુધી માત્ર પબ્લિકના સહયોગ અને એક્સિડન્ટલ એટેકના નામે હાથ અધ્ધર કરતું રહેશે?
થર્મલ ડ્રોન અને એઆઈ બેઝ્ડ સિસ્ટમથી વાઈલ્ડ લાઈફને ટ્રેક કરાશે. પણ અહીં પ્રશ્ન એ થાય છે કે રેડિયો કોલર અને ટ્રેકર્સની ફોજ હોવા છતાં ગામડાઓ સુધી હિંસક પશુઓ કેમ પહોંચી જાય છે? લોકઆક્રોશ ફાટી નીકળ્યા બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સરપંચો અને માલધારીઓ સાથે સાસણમાં એક મોટી બેઠક યોજવી પડી છે.
વન વિભાગનું પેટ્રોલિંગ નિષ્ફળ
રામ રતન નાલાએ જણાવ્યું કે, હુમલા પાછળ અકસ્માત અથવા વન્યજીવોની છેડછાડ જેવા અનેક કારણો હોઈ શકે છે. તંત્ર હવે ટ્રેકર્સ અને સ્ટાફની સંખ્યા વધારવાની વાતો કરી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે વન વિભાગનું પરંપરાગત પેટ્રોલિંગ ક્યાં નિષ્ફળ ગયું કે હવે થર્મલ ડ્રોન અને એઆઈ (AI) સિસ્ટમ પાછળ આંધણ કરવું પડી રહ્યું છે? શું વન વિભાગની આ હાઈટેક યોજનાઓ માનવ જિંદગીઓ બચાવી શકશે કે પછી આ બેઠક પણ માત્ર એક ઔપચારિકતા બનીને રહી જશે? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

