VIDEO: Junagadh / ધોરણ 10ના વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયે કરી આત્મહત્યા
ગુજરાતમાં અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો. જોકે, કેટલાક પેપર નબળા ગયા હોવાથી તે સતત તણાવમાં રહેતો હતો. તેણે આ બાબતે પોતાના પરિવાર સાથે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેના પેપર સારા ગયા નથી. પરીક્ષામાં ફેઈલ થઈ જશે તેવા ડરથી તે છેલ્લા કેટલાક દિવસોથી ગુમસુમ રહેતો હતો. જો કે પરિણામ આવે તે પહેલા જ વિદ્યાર્થીએ પીયાવાની સીમમાં આવેલી પોતાની વાડીની ઓરડીમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારને આ બાબતની જાણ થઈ ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

