VIDEO/ Junagadh: શીતળા માતાજીના મંદિર અને નીલકંઠ મહાદેવની મૂર્તિ પર ગટરનું પાણી ફરી વળતા સ્થાનિકોમાં ભારે રોષ
જૂનાગઢમાં મનપાના શાસકોની નિષ્ક્રિયતાને કારણે ધાર્મિક સ્થાનોની ગરિમા જોખમાઈ રહી છે. શહેરના નવા નાગરવાડા વિસ્તારમાં આવેલા પ્રાચીન શીતળા કુંડમાં ગટરના ગંદા પાણી ભળી રહ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મનપા દ્વારા કરવામાં આવેલા આડેધડ વિકાસકામોને કારણે ડ્રેનેજ લાઈનોની સમસ્યા સર્જાઈ છે. પવિત્ર શીતળા કુંડમાં આવેલા શીતળા માતાજીના મંદિર અને પટાંગણમાં બિરાજમાન નીલકંઠ મહાદેવની મૂર્તિ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. અત્યંત પવિત્ર ગણાતી આ જગ્યા પર ગંદકીના કારણે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્ય દ્વારા શીતળા કુંડના રિનોવેશન અને વિકાસ માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આટલી મોટી રકમ ફાળવવા છતાં હજુ સુધી ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી દેખાતી નથી. તેમજ અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરસેવકો કે અધિકારીઓ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં રસ દાખવતા નથી.

