VIDEO: ગણેશ ગોંડલ કેસમાં મોટો ધડાકો: અપહરણ અને એટ્રોસિટી કેસમાં કોર્ટે તમામ 11 આરોપીઓને કર્યા નિર્દોષ જાહેર!
જૂનાગઢની ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ચકચારી અપહરણ, જાનલેવા હુમલો અને એટ્રોસિટી કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ (જાડેજા) અને તેમના સાથીદારો પર લાગેલા તમામ આરોપોમાંથી કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો
આ સમગ્ર વિવાદની શરૂઆત 30 મે 2025ના રોજ જૂનાગઢના દાતાર રોડ પરથી થઈ હતી. દલિત અગ્રણી રાજુ સોલંકીના પુત્ર દેવાંગ સોલંકી સાથે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદ મુજબ, દેવાંગનું ગાડીમાં અપહરણ કરીને તેને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોર માર મારી, જાતિ વિષયક અપશબ્દો કહી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના સંદર્ભે જૂનાગઢ સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
લાંબો સમય જેલમાં હતો ગણેશ ગોંડલ
તપાસના ભાગરૂપે પોલીસે ગણેશ જાડેજા ઉપરાંત જશપાલસિંહ ઉર્ફે જે.કે. રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા, દિગપાલસિંહ, સમીર ઉર્ફે પોલાસ, અકરમ તર્કવાડીયા અને રમીશ પઠાણ સહિત કુલ 11 શંકાસ્પદોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને લાંબો સમય જેલવાસ ભોગવવો પડ્યો હતો.
સમાધાન થઈ જતાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
કેસની કાયદાકીય કાર્યવાહી દરમિયાન એક નવો વળાંક આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી તે વેળાએ ફરિયાદી રાજુ સોલંકી અને આરોપી પક્ષ વચ્ચે આંતરિક સમાધાન થઈ ગયું હતું. કોર્ટમાં જુબાની વખતે ફરિયાદી દેવાંગ સોલંકી અને મુખ્ય સાક્ષીઓએ પોતાની અગાઉની રજૂઆતોથી અલગ જઈને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. અંતે, સાક્ષીઓની ફેરવાયેલી જુબાની, પક્ષકારો વચ્ચે થયેલી સમજૂતી અને તમામ કાનૂની પાસાઓને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે ગણેશ જાડેજા સહિતના તમામ 11 આરોપીઓને તમામ આરોપોમાંથી દોષમુક્ત જાહેર કરવાનો આદેશ કર્યો છે.

