VIDEO: Junagadh / ઐતિહાસિક નગરી બની આંદોલન નગરી, રસ્તાના કામ અધૂરા છોડાતા વેપારીઓએ બંધ પાળી ધરણા કર્યા
ઐતિહાસિક અને પ્રવાસન ધામ જૂનાગઢ શહેર અત્યારે જાણે 'આંદોલન નગરી'માં ફેરવાઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મનપાના શાસકોની અણઆવડત અને આડેધડ વિકાસના કામોને કારણે પ્રજા ત્રસ્ત છે. શહેરના મુખ્ય વ્યાપારી મથક એવા કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી તંત્ર સામે મોરચો માંડ્યો છે.
તંત્ર દ્વારા નવા રસ્તા બનાવવાના નામે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ મહિનાઓ વીતી ગયા હોવા છતાં આ કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ઉડતી ધૂળ અને ખાડાઓને કારણે વેપારીઓનો ધંધો તો ચોપટ થયો જ છે, સાથે જ અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોની હાલત પણ ભયંકર બની ગઈ છે. સુવિધા આપવાના નામે તંત્રએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તાજેતરમાં જૂનાગઢમાં જર્જરિત બાંધકામો ઉતારવાની કામગીરીમાં થયેલી બેદરકારીને કારણે નિર્દોષ લોકો ભોગ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
કડિયાવાડમાં મોટી સંખ્યામાં વેપારીઓ ધરણા પર બેસતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ ધારાસભ્યએ મનપાના અધિકારીઓનો ઉધડો લીધો હતો. જૂનાગઢમાં અત્યારે રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ માટે રોજબરોજ આંદોલનો થઈ રહ્યા છે. મનપાના શાસકોની અણઆવડતનો ભોગ ટેક્સ ભરતી પ્રજા બની રહી છે.

