જામનગરમાં બે વર્ષીય બાળક બાથરૂમમાં ફસાતાં માતાનો જીવ અધ્ધર, ફાયરબ્રિગેડે હેમખેમ બહાર કાઢ્યું

જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ટીમે સમયસૂચકતા અને કુનેહપૂર્વકની કામગીરી કરીને અવધ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા એક ફ્લેટના બાથરૂમમાં ફસાઈ ગયેલા બે વર્ષના બાળકનો હેમખેમ બચાવ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે બાળકને સહીસલામત બહાર કાઢી તેની માતાને સોંપતાં માતા-પુત્રનું મિલન થયું હતું અને ભાવુક દૃશ્ય સર્જાયા હતા.
આ અંગેની વિગતો મુજબ, જામનગરમાં સમર્પણ સર્કલ અંડર બ્રિજ નજીક આવેલા અવધ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા એક ફ્લેટના બાથરૂમમાં બે વર્ષનો બાળક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાથરૂમનો દરવાજો ખોલી બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે ટીમે કુનેહપૂર્વક કામગીરી હાથ ધરી હતી. અંતે બાળક દર્શ પાઠકને કોઈ ઈજા વિના સહીસલામત બહાર કાઢી તેની માતાને સોંપવામાં આવ્યો હતો.
ચિંતાની ક્ષણો બાદ પોતાના વ્હાલસોયા પુત્રને હેમખેમ જોઈ માતાની આંખોમાં હર્ષનાં આંસુ છલકાયાં હતાં. માતા-પુત્રના ભાવુક મિલન બાદ માતાએ ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતા અને તત્પરતાને કારણે એક નાનકડા બાળકનો સુરક્ષિત બચાવ શક્ય બન્યો હતો. ફાયર બ્રિગેડની ટુકડીને 12 વાગ્યાને 26 મિનિટે કોલ મળ્યો હતો, અને ફાયર બ્રિગેડની ટીમ માત્ર ત્રણથી ચાર મિનિટમાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ ચાર જવાનોએ ડોર બ્રેક કરીને બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો.
ફાયર બ્રિગેડ વિભાગના બ્રિજરાજસિંહ ચુડાસમા, મનદીપસિંહ પંખાલ, જયરાજસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજાએ ત્વરિત કામગીરી કરી હતી અને માત્ર 18 મિનિટમાં તેઓ જનતા ફાયર સ્ટેશન પર પરત પહોંચી ગયા હતા.








