પોલીસના દરોડા પડતાં જ મહિલા બુટલેગરો ફરાર! જામનગરના બાવરીવાસમાં ચાલતી દેશી દારૂની હાટડીઓનો પર્દાફાશ

જામનગર શહેરમાં દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને ઉત્પાદન સામે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વુલનમીલ ફાટક તથા ગણપતનગરના બાવરીવાસ વિસ્તારમાં ચાર અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 37 લિટર દેશી દારૂ, 80 લિટર આથો અને ભઠ્ઠીનાં સાધનો સહિત રૂ. 9,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચારેય બનાવમાં ચાર મહિલાઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, સીટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફે બાતમીના આધારે વુલનમીલ ફાટક નજીક બાવરીવાસ વિસ્તારમાં કાજલબેન ડાભીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી 15 લિટર દેશી દારૂ, 80 લિટર આથો અને ભઠ્ઠીનાં સાધનો મળી કુલ રૂ. 5,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગણપતનગરના બાવરીવાસ વિસ્તારમાં જમનાબેન હનીફભાઈ સાટીના રહેણાંક ઝૂંપડામાંથી સાત લિટર દેશી દારૂ, કિંમત રૂ. 1,400, ગંગાબેન લક્ષ્મણભાઈ પરમારના ઝૂંપડામાંથી પાંચ લિટર દેશી દારૂ, કિંમત રૂ. 1,000 તથા ખુલ્લી ફાટક નજીક મંજુબેન રામપ્રસાદ સોલંકીના મકાનમાંથી 10 લિટર દેશી દારૂ, કિંમત રૂ. 2,000નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આમ, ચાર અલગ-અલગ દરોડામાં કુલ 37 લિટર દેશી દારૂ અને 80 લિટર આથા સહિત રૂ. 9,550નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ચારેય દરોડા દરમિયાન સંબંધિત મહિલાઓ હાજર મળી આવી ન હતી. પોલીસે કાજલબેન ડાભી, જમનાબેન સાટી, ગંગાબેન પરમાર અને મંજુબેન સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી તેમની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.





