Video: અમરેલીના જાફરાબાદના લુણસાપુર નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઇક સવાર યુવકને ચગદી નાખતા કરુણ મોત

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે આગળ જઈ રહેલા બાઇક ચાલકને પાછળથી ટક્કર મારીને ગંભીર રીતે ચગદી નાખ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં ૨૨ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતક યુવકના શબને પોસ્ટમોર્ટમ તેમજ અન્ય કાર્યવાહી અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાથી યુવકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.





