Video: ડાકોરમાં વિજયાદશમીએ કાળિયા ઠાકોર શ્રી રામના દિવ્ય સ્વાંગમાં, ગોમતી સ્નાન યોજાયું

વિજયાદશમીના પવિત્ર પર્વે યાત્રાધામ ડાકોરમાં શ્રદ્ધા અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આજના દિવસે રાજાધિરાજ રણછોડરાયજીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો દિવ્ય સ્વાંગ ધારણ કર્યો છે. કાળિયા ઠાકોરે મસ્તકે જવારા, સુવર્ણ મુગટ અને સોનાના ધનુષ્ય-બાણ, તલવાર, ઢાલ તેમજ શંખ અને પદ્મ જેવા આયુધો ધારણ કરતા ભક્તોને શ્રીકૃષ્ણ અને શ્રીરામના એકસાથે મનોહર દર્શનનો લાભ મળ્યો છે. આ પ્રસંગે વર્ષમાં માત્ર એક જ વાર થતી પરંપરા મુજબ ઠાકોરજીના સોનાના દિવ્ય આયુધોને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ બ્રાહ્મણો અને ભંડારી બાબા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચના, મનોરમ ભોગ અને કપૂર આરતી કરી અસ્ત્ર-શસ્ત્ર અર્પણ કરાયા. જય રણછોડના નાદથી સમગ્ર ડાકોરધામ ભક્તિમય બની ગયું છે.




