Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Railway rule break in Sasan Gir? Illegal Holiday Home Built in Sanctuary

સાસણ ગીરમાં રેલવેનો નિયમભંગ? અભયારણ્યમાં બનાવી નાખ્યું ગેરકાયદે હોલિડે હોમ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સાસણ ગીરમાં રેલવેનો નિયમભંગ? અભયારણ્યમાં બનાવી નાખ્યું ગેરકાયદે હોલિડે હોમ
સોર્સ : gstv

જૂનાગઢ : ગીર વન્યજીવ અભયારણ્યની આંતરિક સંવેદનશીલ જમીન પર સાસણ રેલ્વે સ્ટેશન ખાતે નિર્માણ પામેલા રિટાયરિંગ રૂમ્સને લઈને ભારે વિવાદ સર્જાવા જઈ રહ્યો છે. નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની ૪૩મી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તા.૨૭ જૂન ૨૦૧૭ના દિને જે પ્રોજેક્ટને આકરી શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હતી તે શરતોનો સરેઆમ ભંગ કરીને આ જગ્યાને રેલ્વેના અધિકારી અને કર્મચારીઓ માટેનાં હોલિડે હોમ એટલે કે વ્યાવસાયિક રોકાણમાં ફેરવી દેવાતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.

App Store

એનબીડબ્લ્યુએલની સ્પષ્ટ શરત નંબર ૮ મુજબ આ રિટાયરિંગ રૂમનો ઉપયોગ રેલ્વે અધિકારીઓ તથા સ્ટાફના માત્ર ને માત્ર સત્તાવાર કામકાજ માટે જ કરવાનો હતો. એટલું જ નહીં, મંજૂરીના અંતે સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પ્રવાસીઓ માટે આનો ઉપયોગ રેસ્ટ હાઉસ તરીકે કરી શકાશે નહીં. તેમ છતાં, અંદાજે ૮૦૦૦ ચોરસ ફૂટના આ વિશાળ બાંધકામનો હેતુ બદલીને તેને રેલ્વેના અધિકારી અને કર્મચારીઓ માટે રોકાણ માટે વાપરવો એ કાયદાકીય રીતે સંપૂર્ણ ગેરકાયદેસર અને મનસ્વી પગલું ગણાવાય છે.

સાસણ સ્ટેશન એશિયાટિક સિંહો અને અન્ય વન્યજીવોના કુદરતી કોરિડોર અને સમૃધ્ધ જૈવવિવિધતાથી ઘેરાયેલું છે. આ સ્ટેશન પરથી દિવસ દરમિયાન માત્ર ૩થી ૪ મીટર ગેજ ટ્રેનો પસાર થાય છે જેમાં મુસાફરોની સંખ્યા નહિવત હોય છે. આમ છતાં, અભયારણ્યની અંદર બિનજરૂરી પ્રવાસન પ્રવૃત્તિઓ વધારીને સિંહોના શાંત નિવાસસ્થાનમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની અંદર કોઈ પણ વ્યાવસાયિક રિસોર્ટ કે હોલિડે હોમ ચલાવી શકાય નહીં. જ્યાં ઇકો-સેન્સિટિવ ઝોનના ૧ કિલોમીટરના વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ પર રોક હોય, ત્યાં અભયારણ્યની ખુદની જમીન પર આવો ગેરકાયદે હેતુફેર ચલાવી લેવાય નહીં તેવો પર્યાવરણપ્રેમીઓનો આક્ષેપ છે. શરતોનો ભંગ કરીને ચલાવવામાં આવતા આ રિટાયરિંગ રૂમ્સને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને વન વિભાગ તથા સંબંધિત સત્તામંડળો આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઊઠી છે.

રેલ્વેના કર્મચારીઓને ૩૦ અને નિવૃત્તને ૬૦ રૂપિયામાં રોકાવાની વ્યવસ્થા

તા.રપના ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ સાસણ સ્થિત રેલ્વે હોલીડે હોમમાં રેલ્વેના કાર્યરત અને નિવૃત કર્મચારી અને તેમના પરિવારજનો રોકાઈ શકશે. જેમાં કાર્યરત કર્મચારીઓ માટે ર૪ કલાકના દર ૩૦ રૂપિયા અને નિવૃત કર્મચારીઓ માટે ૬૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બુકિંગ તારીખના ૪પ દિવસ પહેલા અરજી કરવાની રહેશે અને વધુમાં વધુ બે દિવસ બુકિંગ મળશે. ઓળખ માટે રેલ્વે આઈડ કાર્ડ અથવા પીટીઓ દર્શાવવું ફરજિયાત કરાયું છે.

રેલ્વેના ઉચ્ચ અધિકારીએ નિયમ ભંગ કર્યો

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા સુજાતા પાંડેએ ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાસણ ગીર રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારીઓ માટે નવનિમત હોલિડે હોમનું ઉદઘાટન કર્યું હતું. અત્યાર સુધી આ જગ્યાને રિટાયરિંગ રૂમ તરીકે ઉપયોગ થતો હતો પરંતુ ખુદ રેલ્વેના જ ઉચ્ચ અધિકારીઓએ નિયમોનો ભંગ કરી મંજૂરી વગર રિટાયરિંગ રૂમને હોલીડે હોમ બનાવી નાખતા વિવાદ સર્જાયો છે.