VIDEO: ગીર બોર્ડર પર સિંહોના જીવલેણ હુમલા વધતા વન વિભાગની સાસણમાં બેઠક
ગીરની બોર્ડર પર સિંહો દ્વારા માનવીઓ પર થઈ રહેલા જીવલેણ હુમલાઓને પગલે આખરે ઊંઘમાંથી જાગેલા વન વિભાગે સાસણમાં પીસીસીએફ બી.પી. પતિની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ ઉચ્ચ સ્તરીય મંથનમાં ૩ સીએફ, તમામ ડીએફઓ સહિત સરપંચો, માલધારીઓ અને હોટેલ એસોસિએશન જેવા સ્ટેક હોલ્ડર્સ હાજર રહ્યા હતા. જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલના સીએફ ડો. રામ રતન નાલાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, હવે વન્યજીવોના ટ્રેકિંગ માટે થર્મલ ડ્રોન, પ્રી-એલાર્મિંગ સિસ્ટમ અને (AI આધારિત મોનિટરિંગ જેવી હાઈટેક ટેકનોલોજીનો આશરો લેવાશે. તેમજ સિંહ-દીપડાની મૂવમેન્ટ ધરાવતા વિસ્તારોમાં લોકોને અગાઉથી એલર્ટ કરવા માટે ખાસ સિસ્ટમ બનાવાશે અને સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવશે. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે રેડિયો કોલર અને ટ્રેકર્સની ફોજ હોવા છતાં હિંસક પશુઓ માનવ વસાહતો સુધી કેમ પહોંચી જાય છે? વન વિભાગનું પરંપરાગત પેટ્રોલિંગ ક્યાં નિષ્ફળ ગયું કે હવે હાઈટેક સિસ્ટમ પાછળ ખર્ચ કરવો પડી રહ્યો છે?

