Gujarat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ; 938 ફોર્મ પરત ખેંચાયા, હવે 27,297 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

ગુજરાતની 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેંચાયા છે. જેને લઈને હવે કુલ 27,297 ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ શનિવારે હતો. જો કે, વિવિધ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરાયા ન હતા. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા આવતા રાજ્યભરની કચેરીઓમાં ભારે ભીડ પણ જામી હતી, તો ક્યાંક વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ફિલ્મી દૃશ્યો પણ સર્જાયા હાત. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ અને સમય બપોરે 3 વાગ્યા સુધીનો હતો.
જાણો ક્યાં કેટલા ફોર્મ પરત ખેંચાયા
હાલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ પૈકી મહા નગર પાલિકામાં 70, નગર પાલિકામાં 188, જિલ્લા પંચાયતમાં 141 અને તાલુકા પંચાયતમાં 535 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ?
રાજ્યમાં મહાનગરપાલિકામાં 3508 ઉમેદવાર, નગરપાલિકામાં 6104, જિલ્લા પંચાયતમાં 3226 અને તાલુકા પંચાયતમાં 14,459 ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે. આમ, કુલ 27,297 ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 26 એપ્રિલના રોજ 15 મહા નગર પાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ તેમજ 11 નગર પાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીની મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે.

