દારૂબંધી કે દારૂ છુટ્ટી: છેલ્લાં બે વર્ષમાં રૂપિયા 191 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, શું ગાંધીનગર સુધી હપ્તારાજ?

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. સરકાર અને ગૃહવિભાગે ભલે ગમે તેટલાં દાવા કરે પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દરૂનો વેપલો ધમધમી રહ્યો છે. યુવાઓ દારૂ-ડ્રગ્સના બંધાણી બન્યાં છે, ત્યારે અમદાવાદ જેવા મેગાસીટીમાં ક્લબોમાં ચાલતી દારૂની મહેફિલ-પાર્ટી તો હિમશીલાના ટોપકાં સમાન છે, હવે તો દારૂ-ડ્રગ્સની પણ હોમ ડીલીવરી થઈ રહી છે. જે રીતે ગુજરાતમાં વિદેશી-દેશી દારૂ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે તે જોતાં ગુજરાતની ઓળખ ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત થઈ રહી છે.
બે વર્ષમાં જ ગુજરાતમાં 2.87 કરોડનો દેશી દારૂ અને 11 કરોડનું બિયર પકડાયું
છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાતમાં 2.87 કરોડનો દેશી દારૂ અને 11 કરોડનું બિયર પકડાયું છે. ગુજરાત હવે ડ્રગ્સ પેડલરોનું પણ વ્યાપક નેટવર્ક છે, જેના કારણે શહેરો જ નહીં હવે તો ગામડાઓમાં પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. ગાંજો અફિણ ચરસ હેરોઈન સહિત ડ્રગ્સ ઝડપાયું છે. આટલા વિશાળ જથ્થામાં દારૂ-ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે પોલીસ ગૃહવિભાગે જાણે તીર માર્યું હોય તેમ વાહવાહી મેળવી રહ્યું છે. સવાલ એ છે કે દારૂ ડ્રગ્સનો આટલો વિશાળ જથ્થો પકડાઈ રહ્યો છે તો પાછલા બારણે કેટલું વેચાતું હશે તેની કલ્પના કરવી રહી,.
ધારાસભ્યો કરી રહ્યા છે ફરિયાદ
ખાખી અને બુટલેગરોની ભાઈબંધીને કારણે ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને ડામવુ અઘરૂ બન્યુ છે. આ ઉપરાંત છેક ગાંધીનગર સુધી હપ્તારાજ હોવાથી બુટલેગરોને ઉની આંચ આવે તેમ નથી. પોલીસનો જાણે હવે ડર જ રહ્યો નથી. ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદો કરી રહ્યાં હોવા છતાંય દારૂની બદી કાબૂમાં આવી શકતી નથી.
દારૂ પીવા માટે અડ્ડા પર જવાની પણ જરૂર નથી. હવે તો દારૂ-ડ્રગ્સની પણ હોમ ડિલિવરી થઈ રહી છે. શહેરોમાં તો ઘેર બેઠા મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. એવા ય કિસ્સા જોવા મળ્યાં છેકે, દૂધની ટેન્કરોમાં દારૂની બેરોકટોક હેરાફેરી થઈ રહી છે.શહેરોમાં તો ઘેરબેઠા મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. એવાય કિસ્સા જોવા મળ્યાં છે કે દૂધના ટેન્કરોમાં દારૂની બેરોકટોક હેરાફેરી થઈ રહી છે.

