TET-HSના પરિણામ સામે ઉમેદવારોમાં ભારે રોષ, 7 દિવસનું અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી

TET-HSના પરિણામ સામે ઉમેદવારોમાં ભારે રોષ, 7 દિવસનું અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

TET-HSના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાના પરિણામમાં પેપર ચકાસણી દરમિયાન વિસંગતતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ માટે મેદાનમાં ઉતર્યા હતા. ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે એકઠા થયા હતા અને પરિણામ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પેપર ચકાસણીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ

ઉમેદવારોનો આક્ષેપ છે કે પરીક્ષામાં તેમણે લખેલા જવાબો અને મળેલા માર્ક્સ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અનેક ઉમેદવારોના જણાવ્યા અનુસાર, તેમણે પ્રશ્નોના સાચા જવાબો લખ્યા હોવા છતાં અપેક્ષા કરતાં ઓછા ગુણ આપવામાં આવ્યા છે. આથી પેપર ચકાસણીની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. ઉમેદવારોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની અને પરિણામમાં રહેલી વિસંગતતા દૂર કરવાની માગ કરી છે.

જાહેરાત

પોતાની માગણીઓ અને રજૂઆતને લઈને ઉમેદવારો રેલી સ્વરૂપે સચિવાલય પહોંચ્યા હતા. અહીં તેમણે તંત્ર સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી ન્યાયની માગ કરી હતી. ઉમેદવારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ ઉપરાંત ઉમેદવારોએ તંત્રને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સાત દિવસ સુધી ઉકેલની રાહ જોયા બાદ પણ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. હવે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર ઉમેદવારોની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત