ગાંધીનગરના પોર ગામે તસ્કરોનો હાહાકાર: લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી ધોળા દિવસે લાખોની ચોરી, પોલીસ દોડતી થઈ

Gandhinagar news: ગાંધીનગર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. તાજેતરમાં ગાંધીનગરના પોર ગામમાં ધોળેદિવસે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ માત્ર પાંચ કલાકના ટૂંકા ગાળામાં એક બંધ મકાનના તાળાં તોડી અંદાજે 6.85 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
જાણો આખો મામલો
પોર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જશુજી પૂંજાજી ઠાકોરના પરિવાર સાથે આ ઘટના બની છે. ગતરોજ સવારે અંદાજે 10 વાગ્યે જશુજી તેમનો પરિવાર સાથે જસપુર ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન ઘર બંધ હતું, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાની જાળીનું લૉક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
માત્ર 5 કલાકમાં હાથફેરો
બપોરે 3 વાગ્યાના અરસામાં જ્યારે પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને પરત ફર્યો ત્યારે ઘરના દરવાજા ખુલ્લા જોઈ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો. તસ્કરોએ રૂમમાં રાખેલા પેટી પલંગ અને લોખંડની તિજોરીના લૉક તોડી નાખ્યા હતા. જશુજીના પુત્રવધૂના સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમ સહિત કુલ 6.85 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસ તપાસ તેજ
ચોરી અંગેની ઘટના અંગે તુરંત જ અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જશુજી ઠાકોરની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોળેદિવસે બનેલી આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે પલાયન થયેલા તસ્કરોને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

