Indian Railways: મુસાફરો નોંધ લેજો! અમદાવાદ-ભૂજ વચ્ચે એક મહિના માટે 'નમો ભારત'ને બદલે દોડશે મેમુ ટ્રેન, જાણો શું છે કારણ

Indian Railways: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ભુજ વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-ભૂજ સ્ટેશનો વચ્ચે હાલમાં સંચાલિત “નમો ભારત” ટ્રેનના રેકના નિર્ધારિત મેન્ટેનન્સ (જાળવણી) કાર્યને કારણે અને હાલમાં વધારાની રેક ઉપલબ્ધ ન હોવાથી, રેલવે તંત્ર દ્વારા અસ્થાઈ રીતે આ રૂટ પર મેમુ (MEMU) ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમયગાળો અને ટ્રેન નંબરની વિગત
મુસાફરોની સુવિધા જળવાઈ રહે અને ટ્રેન વ્યવહાર ખોરવાય નહીં તે હેતુથી નીચે મુજબના ફેરફાર કરવામાં આવ્યા છે:
ટ્રેન નં. 94801 (અમદાવાદ–ભૂજ): આ ટ્રેન 3 માર્ચ 2026થી 2 એપ્રિલ 2026 સુધી “નમો ભારત”ના બદલે મેમુ રેક સાથે દોડશે.
ટ્રેન નં. 94802 (ભૂજ–અમદાવાદ): આ ટ્રેન 4 માર્ચ 2026થી 3 એપ્રિલ 2026 સુધી મેમુ રેક સાથે સંચાલિત કરવામાં આવશે.
મેન્ટેનન્સ કાર્યને કારણે ફેરફાર
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, “નમો ભારત” ટ્રેનના કોચનું ટેકનિકલ મેન્ટેનન્સ કરવું અનિવાર્ય હોવાથી આ અસ્થાઈ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનોના સ્ટોપેજ અને સમયમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ મુસાફરોને વધુ વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર ચકાસણી કરવા વિનંતી કરવામાં આવી છે. કચ્છ અને અમદાવાદ વચ્ચે રોજીંદી અવરજવર કરતા મુસાફરો માટે આ વ્યવસ્થા એક મહિના સુધી અમલમાં રહેશે.

