Gujarat Weather: ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: જામનગરમાં વીજ ટાવરો ધરાશાયી, અમરેલીમાં શિવકથાનો મંડપ ઉડ્યો, અમદાવાદમાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય

Gujarat Weather: ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં અમદાવાદમાં 20થી વધુ અને જામનગરમાં 55થી વધુ વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. જામનગરમાં હેવી વીજ લાઈનના બે ટાવર ભારે પવનના કારણે પડી જતાં અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો છે. રાજ્યમાં આજે સાંજે 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાંથી રાજકોટ શહેરમાં સૌથી વધુ 1.38 ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
જામનગરના ઢીચડા રોડ પર તોફાની પવનના કારણે પતરાની આખે આખી ફેન્સીંગ ઉડી ગઈ
જામનગરમાં ઢીંચડા રોડ પર ફૂંકાયેલા વાવાઝોડા ના કારણે રોડની સાઈડમાં કામ ચાલી રહ્યું હતું, અને પતરાની લાંબી ફેન્સીંગ બનાવવામાં આવી હતી, જે આખે આખી ફેન્સીંગ હવામાં ઉડવા લાગી હતી. જો કે સદભાગ્યે આ ફેન્સીંગ ના કારણે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. જેનો વિડીયો પણ એક બાઈક ચાલક યુવાને ઉતારી લીધો હતો, અને તે સોશિયલ મીડિયામાં ફરતો થયો છે
જામનગરમાં હેવી વીજ લાઈન જમીનદોસ્ત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે અચાનક તોફાની પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, અને તોફાની વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. જેમાં જેટકોને ભારે નુકસાની થઈ છે. જામનગર થી સિક્કા તરફ જતી એસાર કંપનીની હેવી વીજ લાઈન કે જેના 220 કે.વી. ના બે મોટા ટાવરો એક પછી એક જમીનદોસ્ત થઈ ગયા હતા, જેના કારણે તે વિસ્તારનો વિજ પુરવઠો ખોરવાયો હતો. અનેક વાયરો તૂટીને નીચે પડ્યા હોવાથી જેટેકોની ટીમને દોડાદોડી થઈ છે, અને હેવી લાઈન બંધ કરી દેવામાં આવી છે. તેમજ સમારકામની કામગીરી પણ યુદ્ધ ના ધોરણે હાથ ધરી લેવામાં આવી છે. આ ઉપરાંત જેટકો નો 132 કે.વી.નો હેવી લાઇન નો કનસુમરા વિસ્તારમાંથી પસાર થતો એક ટાવર પણ જમીન દોસ્તી થયો હતો. જેથી કનસુમરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો છે, અને ત્યાં પણ જેટકો ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.
ફાયર બ્રિગેડની 10 ટીમોએ કામગીરી ઉપાડી
જામનગરમાં વાવાઝોડા દરમિયાન ચાલુ રિક્ષા પર ઝાડ પડવાની ઘટના બની હતી, જેમાં ફાયર બ્રિગેડની 10 ટીમોએ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં જ રસ્તાઓ ખુલ્લા કરી પ્રશંસનીય કામગીરી કરી છે. 70થી વધુ ફાયરના જવાનોની અલગ અલગ 10 ટીમોં બનાવી હતી, અને કરવત, કુહાડા, રસ્સા વગેરે ની સાધન સામગ્રી સાથે તમામ ટીમોને દોડતી કરી દેવામાં આવી હતી, અને માત્ર દોઢ કલાકના સમયગાળા દરમિયાન 45 થી વધુ ફરિયાદોનો નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.
અમદાવાદમાં આંધી
રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં વરસાદ કરતા પવનનું જોર વધુ જોવા મળ્યું. સમી સાંજે આંધી આવતા શહેર પર ધૂળની ડમરીઓનું રાજ જોવા મળ્યું, સિંધુભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદ ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, જેમાં બાવળા નાનંદ બાગમાં સ્વદેશી મેળામાં નુકસાન થયું હતું.
શિવકથાનો મંડપ પડી ગયો
અમરેલી જિલ્લાના ધારી, ચલાલા અને બાબરા પંથકમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. વલારડી ગામે વઘાસિયા પરીવાર દ્વારા આયોજિત શિવકથાના મંડપ પડી ગયો છે, જ્યારે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.



