Dahod: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું, જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ સરપંચ સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના પાયાના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કેસરીયો ત્યાગી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ રાજકીય ઉલટફેરને કારણે સ્થાનિક સ્તરે ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ઝાલોદ પંથકના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા જાખલિયા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય મહેશ મછાર વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે ઘોડિયા ગામના પૂર્વ સરપંચ મોહન ડામોર પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ દિગ્ગજ નેતાઓની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ પણ પક્ષ પલટો કર્યો છે. કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે હંમેશા આદિવાસીઓને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવાનું કામ કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝાલોદ અને આસપાસના વિસ્તારમાં ભાજપના મજબૂત ગણાતા નેતાઓના પક્ષપલટાથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર સીધી અસર પડી શકે છે.

