Dahod news: દેવગઢ બારિયા તાલુકામાં એક જ દિવસમાં 2 અકસ્માતમાં 3 લોકોનાં મોત

Dahod news: દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં અકસ્માતોની જાણે વણઝાર લાગી છે. એકપછી એક કુલ બે એકસ્માત સર્જાતા કુલ ત્રણ લોકોનાં કરુણ મોત થયા હતા. દેવગઢ બારિયા તાલુકામાં ગત રાત્રીના બે જુદાજુદા અકસ્માતો સર્જાયા હતા. દશેરાના મેળામાંથી આવતા એક પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં સામસામે બે બાઈક વચ્ચે અકસ્માત થતા બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. બીજા એક અકસ્માતમાં બાઈકચાલકને અકસ્માત નડયો હતો જ્યાં તેનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, નવરાત્રી પૂર્ણ થઈને દશેરાના મેળા બાદ ઘરે આવતા લોકોને રસ્તામાં અકસ્માત નડયો હતો. દેવગઢ બારિયા તાલુકાના મેન્દ્રા ગામે ગત રાત્રીના રોજ બે બાઈક આમને-સામને આવી જતા ધડાકાભેર અથડાયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત બેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝાર અકસ્માતમાં શિંગોર ગામનો વિનોદ રયજી તેમજ ખાણ પાટલા ગામના રંગીત બારિયાનું મોત થયું હતું. બાઈક પર સવાર રંગીત બારિયાની પત્ની તેમજ તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયા હતા.
આ ઉપરાંત અન્ય એક અકસ્માતમાં ભુલર ગામે બે બાઈકો સામસામે અથડાતા હિંદોળિયા ગામનો તુષાર રાવત નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

