Dahod news: દેવગઢબારિયા નગરપાલિકામાં ભાજપના વ્હીપના અનાદર બદલ 6 નગરસેવકો સસ્પેન્ડ

Dahod news: દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરપાલિકામાં 6 નગરસેવકોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપના સભ્યોએ વિરુદ્ધ મતદાન કરી ભાજપના વ્હીપનો અનાદર કર્યો હતો. જેથી ભાજપે તમામ 6 નગરસેવકો સામે આકરાં પગલાં લીધા છે.
મળતી માહિતી અનુસાર, દેવગઢબારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ નીલ સોની સહિત 6 ભાજપના નગરસેવકોને ભાજપ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાના પગલાં લેવાયા છે.
આ સસ્પેન્ડ કરાયેલા 6 નગરસેવકોમાં નીલ રશ્મિકાંત સોની, ગોપાલસિંહ મનહરસિંહ ઝાલા, નિધિ અક્ષયકુમાર જૈન, સરલાબેન રાજેશભાઈ મેડા, અરુણાબેન જયેશભાઈ પરમાર, પ્રજ્ઞેશ રમણભાઈ મોહનિયાને ભાજપ દ્વારા 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે ભાજપે સત્તાવાર રીતે પત્ર લખીને તેમને જાણ કરી દીધી છે.

