Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Naswadi check dams have become like decorative objects without maintenance

VIDEO/ Chhota Udaipur: ઈજનેરોને લાખોનો પગાર પણ કામગીરી શૂન્ય; 10 વર્ષથી જાળવણી વગર નસવાડીના ચેકડેમો બન્યા શોભાના ગાંઠિયા સમાન

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જળ સંરક્ષણ માટે બનાવવામાં આવેલા ચેકડેમો આજે તંત્રની ઉદાસીનતાના કારણે 'શોભાના ગાંઠિયા' સમાન બની ગયા છે. છેલ્લા 10 વર્ષથી યોગ્ય જાળવણી અને રિપેરિંગના અભાવે 100થી વધુ  ગામોમાં  ચેકડેમો ભાંગીને ભુક્કો થઈ ગયા છે, જેના પરિણામે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંકટ ઘેરું બન્યું છે.

App Store

નસવાડી તાલુકામાંથી પસાર થતી અશ્વિન અને મેણ નદી, જે અંદાજે 70 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે, તે આ વિસ્તારની જીવાદોરી સમાન છે. આ નદીઓ પર આવેલા કોતરોમાં પાણી સંગ્રહવા માટે ચેકડેમો બનાવવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે, છેલ્લા એક દાયકાથી સરકારે રિપેરિંગ માટે કોઈ નવી યોજના અમલમાં મૂકી નથી. સિંચાઈ વિભાગ દ્વારા નવા ચેકડેમો બનાવવામાં પણ ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. ખુશાલપુરા ગામ પાસે મેણ નદી પરનો 100 મીટર લાંબો ચેકડેમ માટીથી પુરાઈ ગયો છે, જેના કારણે 10 કિલોમીટર સુધી રોકાતું પાણી હવે સીધું વહી જાય છે.

ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ ન થવાને કારણે ભૂગર્ભ જળસ્તર દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. ચેકડેમો તૂટેલા હોવાથી વરસાદી પાણી સીધુ નદીઓમાં વહી જાય છે અને કોતરો કોરાધાકોર રહે છે. આ પરિસ્થિતિને કારણે સીમ વિસ્તારમાં પશુઓને પીવા માટે અને ખેતી માટે પાણીની ભારે અછત સર્જાઈ છે.

સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના ઈજનેરોને સરકાર દર મહિને લાખો રૂપિયાનો પગાર ચૂકવે છે, છતાં મેદાન પર કોઈ કામગીરી દેખાતી નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા કચેરીઓમાં બેસતા અધિકારીઓ જો યોગ્ય સર્વે કરે તો જાણી શકાય કે જાળવણીના અભાવે પ્રજાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા કેવી રીતે વ્યર્થ જઈ રહ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર આ જળ સંકટને નિવારવા માટે જાગશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામજનોએ તરસ્યા રહેવું પડશે.