Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udaipur News: A unique confluence in tribal tradition, MLA Chaitar Vasava and BJP MP Jasubhai Rathwa embraced each other

Chhota Udaipur News: આદિવાસી પરંપરામાં અનોખો સંગમ, ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ જસુભાઈ રાઠવા એકબીજાને ભેટ્યા

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આદિવાસી સંસ્કૃતિના સુપ્રસિદ્ધ કવાંટના 'ગેરના મેળા'માં આ વર્ષે માત્ર સંસ્કૃતિના જ નહીં, પરંતુ રાજકારણના પણ અનોખા રંગો જોવા મળ્યા છે. મેળાની ધૂમ વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા ભાજપના સાંસદ જસુભાઈ રાઠવા સામસામે આવ્યા અને એકબીજાને ઉષ્માભેર ગળે મળ્યા, ત્યારે જોનારા સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ ઘટના બાદ હવે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

App Store

પરંપરા નિભાવી કે પક્ષ પલટાના સંકેત?

આદિવાસી સમાજમાં વર્ષો જૂની પરંપરા છે કે હોળીના પર્વે કે ગેરના મેળામાં જે કોઈ ગળે મળે, તે પોતાના જૂના તમામ વેરઝેર અને ઝગડાઓ ભૂલીને એક થઈ જાય છે. આ જ પરંપરાને માન આપીને જ્યારે બંને દિગ્ગજ નેતાઓ હજારો સમર્થકો સાથે નાચગાન કરતા આમને-સામને આવ્યા, ત્યારે રાજકીય પ્રતિસ્પર્ધા બાજુ પર મૂકીને એકબીજાને ભેટી પડ્યા હતા.

ચૈતર વસાવાએ આ તબક્કે આદિવાસી સમાજના પ્રચલિત 'હોબોબો' ના રણકાર સાથે સમાજને એક થવા આહ્વાન કર્યું હતું. જોકે, આ મિલનને રાજકીય ચશ્માથી જોનારા લોકો કહી રહ્યા છે કે શું જસુભાઈ રાઠવા ચૈતર વસાવાને ભાજપમાં લઈ આવશે? સોશિયલ મીડિયા પર આ મિલન બાદ ચૈતર વસાવાના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે.

લોકોમાં મિશ્ર પ્રતિસાદ

આ ઘટનાને લઈને લોકોમાં બે પક્ષ જોવા મળી રહ્યા છે. કેટલાક માની રહ્યા છે કે આ આગામી સમયમાં કોઈ મોટા રાજકીય ઉલટફેરના સંકેત હોઈ શકે છે.

બીજી તરફ, અનેક લોકો આ ઘટનાને બિરદાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પક્ષ ગમે તે હોય, પણ આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખીને બંને નેતાઓએ સમાજને એકતાનો સંદેશ આપ્યો છે.

ગેરના મેળાની આ 'રાજકીય ભેટ' ખરેખર દિલનું મિલન છે કે પછી નવા રાજકીય સમીકરણોની શરૂઆત, તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો કવાંટના મેળામાં આ મિલનની ચર્ચાએ મેળાની રંગત બમણી કરી દીધી છે.