Mahesana News: મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને રાહત, યોજના જાહેર
મહેસાણા શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 માટે મિલકત વેરા તેમજ પ્રોફેશનલ ટેક્ષ માટે વ્યાજ અને પેનલ્ટી માફી યોજના જાહેર કરવામાં આવી છે. ધારાસભ્ય મુકેશકુમાર ડી. પટેલની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં બાકી રહેલા કરની વસુલાત વધારવાનો અને નાગરિકોને એકમુષ્ટ ચુકવણી માટે પ્રોત્સાહિત કરવાનો છે.
મહેસાણા મહાનગરપાલિકાના બાકી વેરાધારકો માટે એક સુવર્ણ તક આવી છે. જો 31 માર્ચ 2026 સુધીમાં પાછલી બાકી તેમજ ચાલુ બાકી સહીત તમામ વેરો ભરી દેવામાં આવે તો મિલકત વેરા તથા પ્રોફેશનલ ટેક્ષમાં વ્યાજ અને પેનલ્ટી માફી મળશે. આ યોજના અંતર્ગત રહેણાંક મિલકતો માટે 100% માફી આપવામાં આવશે. જ્યારે બિન-રહેણાંક એટલે કે કોમર્શિયલ મિલકતો અને પ્રોફેશનલ ટેક્ષના બાકીદારોને 50% માફી મળશે.
માત્ર બાકીદારો જ નહીં, પરંતુ નિયમિત વેરો ભરનારા મિલકતધારકો માટે પણ 10% વળતર યોજના લાગુ કરવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા ઓફીસ કે સિવિક સેન્ટર ઉપરાંત મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટ મારફતે ઓનલાઈન ટેક્ષ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

