બિરિયાનીની દુકાન પાછળથી પકડાયો ડ્રગ્સ પેડલર! ચા પીવા આવતા યુવાનોને બનાવતો શિકાર

અમદાવાદમાં બિરિયાનીની દુકાન પાછળથી પકડાયો ડ્રગ્સ પેડલર! ચા પીવા આવતા યુવાનોને બનાવતો શિકાર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી એક બિરિયાનીની દુકાન પાછળની ઓરડીમાંથી સર્વેલન્સ સ્કોડે 3.36 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ સાથે એક ચાની કીટલી ચલાવતા આધેડની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી ચાની કીટલી પર આવતા ગ્રાહકો અને યુવાનોને લક્ષ્ય બનાવી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યું. પોલીસે 25,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રખિયાલ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો વતની અને હાલ રખિયાલમાં નવજીવન હોટલ નજીક નૂરનગરની ગલીમાં રહેતો મોહમદ જાવેદ નસીમ હૈદર ઉર્ફે ખન્ના સૈયદ (ઉં.વ. 53) આંબાવાડી ચાર રસ્તા પાસે આવેલી દિલ્હી સ્પેશિયલ બિરિયાની પાછળની ઓરડીમાં એમ.ડી. ડ્રગ્સ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મોહમદ જાવેદને ઝડપી લીધો હતો. તેની તલાશી લેતાં પેન્ટના ખિસ્સામાંથી ઝીપલોક બેગમાં રહેલો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પાવડર મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું, જેનું ડિજિટલ કાંટા પર વજન 3.36 ગ્રામ નોંધાયું હતું.પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે આ જથ્થો રખિયાલમાં આવેલી અજીત રેસિડેન્સીમાં રહેતા 'શેરૂ' નામના શખસ પાસેથી મેળવ્યો હતો. આરોપી આ અવાવરુ ઓરડીનો ઉપયોગ ડ્રગ્સના અડ્ડા તરીકે કરતો હતો અને ચાની કીટલી પર આવતા યુવાનોને નશાના રવાડે ચઢાવી ગેરકાયદે વેપલો કરતો હતો. રખિયાલ પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર સપ્લાયર શેરૂની શોધખોળ શરૂ કરી છે.










