ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયાનો પોલીસે કર્યો સ્વીકાર, શહેરમાં જ બન્યો હતો ઝેરી દારૂ

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂએ તાંડવ મચાવ્યો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના સેવનથી 6 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે.
ભાવનગરમાં જ બન્યો હતો ઝેરી દારૂ, મિથેનોલ અને એસેન્સનો કરાયો ઉપયોગ
બનાવ અંગે માહિતી આપતાં ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) મયુરસિંહ ચાવડાએ રીતે સ્વીકાર કર્યો હતો કે આ એક લઠ્ઠાકાંડ છે. તેમણે જણાવ્યું હતું કે, 'આ ઝેરી દારૂ ક્યાંય બહારથી લાવવામાં નહોતો આવ્યો પરંતુ ભાવનગરમાં જ એનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ, ઇથેનોલ અને એસેન્સ સહિતના કેમિકલ્સ અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા. સરખેજના એક ટ્રાન્સપોર્ટર મારફતે આ રો-મટીરિયલ બીજા સ્ટેટમાંથી લાવીને ભાવનગરમાં ડિલિવર કરવામાં આવ્યું હતું.'
પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, 'નરેન્દ્ર નામના શખસે આ દારૂ બનાવ્યો હતો અને તેણે પોતે પણ તેનું સેવન કર્યું હતું, જેના કારણે તેનું પણ મૃત્યુ થયું છે અને તેનું પીએમ મધ્ય પ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ છે, જેની મધ્ય પ્રદેશથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે મોટાભાગનો કાચો અને તૈયાર દારૂનો જથ્થો કબજે કરી લીધો છે.'

