VIDEO: ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ બાદ સરકાર સફાળી જાગી, દારૂબંધી મુદ્દે રાજ્યવ્યાપી દરોડાના આદેશ, SP પાસે મગાયો ખુલાસો!
ભાવનગરમાં ઝેરી દારૂ કાંડ બાદ બાદ સરકાર સફાળી જાગી છે અને દારૂબંધી મુદ્દે રાજ્યવ્યાપી દરોડાના આદેશ કર્યા છે. તેમજ સમગ્ર કેસ મામલે જિલ્લા પોલીસ વડા પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે બુટલેગરો અને સપ્લાયરો સહિત કુલ 13 લોકોને ઝડપી પાડ્યા છે, ત્યારે રાજ્યમાં હપ્તારાજના કારણે દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા હોવા મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાવનગરની ઘટના મુદ્દે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડા પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. જેમાં આ ગંભીર બનાવ અંગે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ અને ભાવનગર રેન્જ આઈજીને ટેલિફોનિક કે લેખિતમાં જાણ ન કરવાને મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યુ છે. સ્થિતિની ગંભીરતા જોતા ગૃહમંત્રીએ મંગળવારેમધરાતે અમદાવાદ બેઠક યોજી ઘટનાની તપાસ SMCને સોંપી છે અને SMCના SP મયુરસિંહ ચાવડાને તાત્કાલિક ભાવનગર રવાના કરાયા હતા. જેઓ ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગર SP કચેરીએ રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને SMCના SP મયુરસિંહ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ મિટિંગ યોજી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

