VIDEO: ટાંકી બની જ નહીં ને ₹50.43 લાખનું બિલ પણ બની ગયું! પાલીતાણા હોસ્પિટલના અબજોના ભ્રષ્ટાચારના ખેલથી ખળભળાટ!
સરકારી યોજનાઓ અને વિકાસકાર્યોમાં કાગળ પર કામ દર્શાવીને કઈ રીતે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેનો વધુ એક ગંભીર કિસ્સો પાલીતાણા હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. હોસ્પિટલના પરિસરમાં 2 લાખ 55 હજાર લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું નિર્માણ જ થયું ન હોવા છતાં, સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મિલિભગત કરીને રૂ. 50 લાખ 43 હજારનું બિલ પાસ કરવા વડી કચેરી સુધી રજૂ કરી દીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
તાજેતરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંજૂર કરાયેલી 2.55 લાખ લીટરની ટાંકી ક્યાંય નજરે ન પડતાં સમગ્ર મામલે શંકા ઉપજી હતી. ત્યારબાદની તપાસમાં સામે આવ્યું કે સ્થળ પર પાણીની ટાંકીનું એક ઈંચ પણ કામ થયું નથી, છતાં રૂ. 50.43 લાખનું આખું બિલ મંજૂર કરાવવા માટે વડી કચેરી મોકલી દેવામાં આવ્યું હતું.
અધિકારીઓ સામે કડક એક્શન
કાગળ પર જ ટાંકી બતાવીને સરકારી નાણાં ઉચાપત કરવાનો પ્રયાસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
કડક કાર્યવાહી કરવાની સૂચના
બોગસ બિલ રજૂ કરનાર અને પ્રક્રિયામાં સંડોવાયેલા ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે તથા નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે તાત્કાલિક ક્રિમિનલ પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. ફરજમાં ગંભીર ગેરરીતિ બદલ બે સંબંધિત ઈજનેરોને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલી સુરતની 'ધર્મનંદન કન્સ્ટ્રકશન' એજન્સીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
કાગળ પર કામ દર્શાવતી નીતિ સામે સવાલો
સ્થળ પર ટાંકી જ ન હોવા છતાં છેક વડી કચેરી સુધી બિલ મંજૂરી માટે પહોંચી ગયું તે દર્શાવે છે કે ચેકિંગ અને સુપરવિઝનની વ્યવસ્થામાં કેટલું મોટું ગાબડું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલિભગતથી કાગળ પર જ યોજનાઓ પૂરી કરી દેવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોની કોની ભૂમિકા હતી તે અંગે વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

