VIDEO/ Bhavnagar: પૂરઝડપે આવતી કારે રોડની બાજુમાં ઉભેલા લોકોને અડફેટે લીધા, મહિલા સહિત 6 લોકો ઇજાગ્રસ્ત
Bhavnagar Accident: ભાવનગર જિલ્લાના સિહોરમાં રવિવારે (ત્રીજી મે) બપોરના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના ડો. કે.ડી. રાઠોડ હોસ્પિટલ નજીક પૂરઝડપે આવતી કારે એક બાઈક, રિક્ષા અને રોડની નજીકમાં ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. કારની જોરદાર ટક્કરે મહિલા સહિત કુલ 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિશાલ ગોહિલ ભાવનગરથી કામ પતાવી પરત ફર્યા હતા. તે તેના પિતરાઈ ભાઈ રાહુલ સાથે બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. બપોરે આશરે દોઢ વાગ્યાના સુમારે જ્યારે તેઓ કે.ડી. રાઠોડ હોસ્પિટલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવતી એક બેફામ કારે તેની બાઈકને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વિશાલભાઈ અને રાહુલ ઉપરાંત રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલા અને અન્ય લોકો મળી કુલ 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ સિહોર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત હોવાથી ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સિહોર પોલીસે આ મામલે કાર્યવાહી કરતા
ઇજાગ્રસ્ત વિશાલભાઈની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર કારચાલક જાહિદભાઈ સોરઠીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS એક્ટની કલમ 281, 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

