Bhavnagar: વ્યાજખોરોની ધમકીથી કંટાળીને યુવકે કર્યો આપઘાત, પોલીસે 2ની ધરપકડ કરી

ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના અમાનવીય ત્રાસથી કંટાળીને એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શ્રીનાથજી કેટરીંગનો વ્યવસાય કરતા મેહુલભાઈ માંડલીયાએ વ્યાજખોરોની ધમકીઓથી કંટાળીને ગત 6 એપ્રિલના રોજ જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મૃતકના ભાઈ કૃણાલભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મેહુલભાઈએ પોતાના ધંધાના વિકાસ માટે પિન્ટુભાઈ ચસ્કા-મસ્કાવાળા, રવીભાઈ ખોખર, ગોપાલભાઈ અને લાલાભાઈ સાટીયા નામના શખ્સો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. વ્યાજની રકમ ચૂકવવા છતાં, આ શખ્સો ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા. આરોપીઓ અવારનવાર ફોન પર બીભત્સ ગાળો આપી મેહુલભાઈને માનસિક ત્રાસ આપતા હતા.
વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે તેઓએ મેહુલભાઈનું એક્ટિવા બળજબરીથી પડાવી લીધું હતું અને તેમનું ઘર ખાલી કરાવી દેવાની ધમકીઓ પણ આપી રહ્યા હતા. આ સતત મળતી ધમકીઓ અને માનસિક દબાણને કારણે અંતે મેહુલભાઈએ આત્યંતિક પગલું ભર્યું હતું. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને મેહુલભાઈના મોબાઈલમાંથી મહત્વના પુરાવા મળી આવ્યા છે. કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટ દ્વારા આરોપીઓ દ્વારા આપવામાં આવતી ધમકીઓ સ્પષ્ટપણે સામે આવી છે. આ પુરાવાઓના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જશવંતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ રઘુભાઈ ગોહિલ અને ગોપાલ કિશોરભાઈ સકોરિયાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

