Bharuch કોંગ્રેસમાં જૂથવાદ? એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી; મુમતાઝ પટેલની પોસ્ટથી ખળભળાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચ કોંગ્રેસની અંદરખાને ચાલતી ખેંચતાણ હવે સપાટી પર આવી ગઈ છે. કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક સૂચક પોસ્ટ મૂકીને પક્ષની નબળી કડી પર આંગળી ચીંધી છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે ભરૂચ કોંગ્રેસમાં એકજૂટતાનો અભાવ છે.
મુમતાઝ પટેલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તેમને ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સંગઠનમાં એકતા ન હોવાને કારણે તેઓ અસહજ અનુભવી રહ્યા છે. તેમણે ટાંક્યું હતું કે, "મને પ્રચાર માટે બોલાવવામાં આવી રહી છે, પરંતુ એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. જીતવું હોય તો પહેલા મજબૂત બનવું પડશે." આ નિવેદન સીધો સંકેત આપે છે કે ભરૂચમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે સંકલનનો અભાવ છે.
લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું કે અહેમદ પટેલના અવસાન બાદ ભરૂચ કોંગ્રેસમાં નેતૃત્વ અને જૂથવાદની સમસ્યા વધી છે. મુમતાઝ પટેલની આ પોસ્ટે હવે મહોર મારી દીધી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેવા મહત્વના સમયે પણ પક્ષના નેતાઓ એક મંચ પર આવવા તૈયાર નથી. તેમની આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું ભરૂચમાં કોંગ્રેસ પોતાની જૂની પકડ ગુમાવી રહી છે?

