Bharuch news: આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની મનસુખ વસાવાની જાહેરાત, આપ્યું આ કારણ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, 'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું.'
હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું: મનસુખ વસાવા
આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. હવે પાર્ટી નવા યુવાનોને તક આપે. આમ, મારા પછી પાર્ટી યુવા કાર્યકરોને તૈયાર કરે.'
તમને જણાવી દઈએ કે, મનસુખ વસાવા વર્ષ 1998થી ભરૂચ લોકસભા બેઠકમાં 7 ટર્મથી સાંસદ રહ્યા છે. વર્ષ 1995ના સમયગાળામાં રાજપીપળા વિધાનસભામાં ધારાસભ્ય અને કેશુભાઈની સરકારમાં મંત્રી રહ્યા છે.
તાજેતરમાં ભાજપ સાંસદે પક્ષની કામગીરી સામે ઉઠાવ્યા હતા સવાલ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ભાજપનો ડર નથી પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટી હરાવી શકે છે. આવા નિયમો લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં નથી તો સ્થાનિક ચૂંટણીમાં કેમ? જે લોકો 3 ટર્મ ચૂંટણી લડ્યા છે પણ તે તેમના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે જો તે નિષ્ક્રિય થઈ જશે તો ભાજપને નુકસાન જશે. ગુજરાતભરમાં ભાજપના સિનિયર કાર્યકરો નિરાશ થયા છે.
'ચૂંટણીમાં જીતે તેવો જ ઉમેદવાર રાખવો જોઈએ'
'ભાજપ શિસ્તને વરેલી પાર્ટી છે એટલે કાર્યકરો બોલી નથી શકતા પણ મને મળે છે ત્યારે નારાજગી વ્યક્ત કરે છે. હું માનું છું કે સ્થાનિક ચૂંટણીમાં આવા કડક નિયમો ન હોવા જોઈએ, તેની કોઈ જરૂર નથી, બાંધછોડ હોવી જરૂરી છે. યુવા ટીમને પ્રોત્સાહિત કરવી જોઈએ પણ કેટલીક જગ્યાએ જોવું જોઈએ કે જીતે તેવા સમીકરણ બેસે છે કે નહીં. ચૂંટણીમાં જીતવું મહત્વનું છે કે સંગઠનમાં યુવાનોને સ્થાન આપવું જોઈએ પણ ચૂંટણીમાં જે જીતી શકે તેવો જ ઉમેદવાર રાખવો જોઈએ.'
'ઉપરથી પાર્ટીએ જે નિયમો ઠોકી બેસાડ્યા છે તે બિલકુલ બરોબર નથી'
'ઘણી વખત એવું બનતું હોય છે કે સ્થાનિક ચૂંટણીમાં કોઈ સમાજનું પ્રભુત્વ હોય તેવા જ ઉમેદવારો હંમેશા જીતે છે, તો તે પાર્ટીએ જોવું જોઈએ ત્યાં આવા કડક નિયમો ન રાખવા જોઈએ. ઉપરથી પાર્ટીએ જે નિયમો ઠોકી બેસાડ્યા છે તે બિલકુલ બરોબર નથી. ઘણી વખત સ્થાનિક ઉમેદવારે ઘણી મહેનત કરી હોય છે પણ રાતોરાત બહારનો ઉમેદવાર ઠોકી બેસાડો છો તો સ્થાનિકો નારાજ થવાના જ છે.'
ભાજપ ભલે યુવા લોહી અને નવા ચહેરાઓને તક આપીને સંગઠનને આધુનિક બનાવવા માંગતું હોય, પરંતુ મનસુખ વસાવા જેવા પીઢ નેતાનું માનવું છે કે ચૂંટણીમાં 'જીત' સૌથી વધુ મહત્વની છે. જો અનુભવી નેતાઓની અવગણના થશે અને પક્ષ હારશે, તો તેના માટે આ કડક નિયમો જ જવાબદાર રહેશે.

