VIDEO: "શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને શક્તિનો સંગમ: વિશ્વ શાંતિ માટે ત્રિ-દિવસીય યજ્ઞ શરૂ, ફૂલો અને રંગોળીથી સજી હવનશાળા"
VIDEO: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરના ચાચર ચોકમાં આજથી વિશ્વ કલ્યાણના પવિત્ર હેતુ સાથે ત્રિ-દિવસીય મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી યાજ્ઞિક વિપ્રમંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ યજ્ઞમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને 1100 લાડુનો પ્રસાદ
આ યજ્ઞમાં 100થી પણ વધુ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આહુતિઓ આપવામાં આવી રહી છે. પ્રથમ દિવસે ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન ગણેશને 1100 લાડુનો ભોગ ધરાવીને વિશ્વ પર આવેલી આફતોના નિવારણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
શાકંભરી નવરાત્રી અને અનોખો શણગાર
હાલમાં શાકંભરી નવરાત્રી ચાલતી હોવાથી માતાજીના ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં વિવિધ પ્રકારના શાકભાજીનો અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. યજ્ઞશાળાને પણ વિવિધ રંગોળીઓ અને સુગંધીદાર ફૂલોથી સજાવવામાં આવી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
1108 દ્રવ્યોની અપાશે આહુતિ
આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમિયાન કુલ 1108 જેટલા અલગ-અલગ દ્રવ્યોની આહુતિ યજ્ઞકુંડમાં હોમવામાં આવશે. આગામી દિવસોમાં વિવિધ પ્રકારના યજ્ઞો, વિશેષ પૂજા, ચંડી પાઠ અને દેવી પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર આબુ પર્વતની તળેટીમાં દિવ્યતા પ્રસરી ગઈ છે.

