VIDEO: બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજીમાં બિરાજતા પ્રાચીન અંબિકેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપૂર
આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પણ શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું. અંબાજી મંદિર પરિસરમાં આવેલા અતિ પ્રાચીન એવા શ્રી અંબિકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શીરાનો ભોગ અને વિશેષ આરતી
પ્રાચીન પરંપરા મુજબ, મહાશિવરાત્રીના પવિત્ર દિવસે અંબિકેશ્વર મહાદેવને વિશેષ રૂપે શીરાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી ભવ્ય આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ અત્યંત ભાવવિભોર થઈને શિવ આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
ચારે બાજુ ભક્તિમય માહોલ
શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શને આવતા માઈભક્તોએ આજે અંબિકેશ્વર મહાદેવના ચરણોમાં પણ શીશ ઝુકાવ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શિવલિંગ પર જળાભિષેક અને બિલીપત્ર ચડાવવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું છે.

