Ahmedabad: 'આ બોર્ડર નથી, તમારા જ નાગરિકો છે', જમીન વિવાદમાં હાઇકોર્ટે વન વિભાગના અધિકારીઓની ઝાટકણી કાઢી

દાંતા ફોરેસ્ટ વિભાગમાં થયેલી બબાલ અને ત્યારબાદ નોંધાયેલી ફરિયાદના મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વન વિભાગના અધિકારીઓના વલણ અને સંસદને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો બદલ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
ડિસેમ્બર મહિનામાં આદિજાતિ સમુદાય અને વન વિભાગ વચ્ચે અંબાજી ખાતે વિવાદ સર્જાયો હતો. આદિજાતિઓએ જે જમીન પર પોતાનો હક (ક્લેમ) કર્યો હતો, તે જમીન પર વન વિભાગ રોપા વાવવા જતાં ઘર્ષણ થયું હતું. આ મામલે અરજદાર સામે ફરિયાદ નોંધાતા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. અરજદારના વકીલના જણાવ્યા મુજબ, આ જંગલની જમીન પર 172 જેટલા આદિજાતિ લોકોએ કાયદેસરના ક્લેમ કરેલા છે.
સુનાવણી દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં ઉઠાવેલા પ્રશ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે ગુજરાતમાં 10,000માંથી 2869 ક્લેમ હજુ પેન્ડિંગ છે. આ મુદ્દે કોર્ટે અધિકારીઓને ખખડાવતા કહ્યું કે, તમે સંસદને ગેરમાર્ગે દોરો છો. જે જમીન પર ક્લેમ પેન્ડિંગ છે ત્યાં રોપા વાવવાનો હુકમ કોણે કર્યો? સંસદને ગેરમાર્ગે દોરનારા જવાબદાર લોકોને ઘરભેગા કરવા જોઈએ."
હાઇકોર્ટે માનવીય અભિગમ દાખવતા વન વિભાગને પૂછ્યું હતું કે, "શું તમે આદિજાતિ વિસ્તારમાં જઈને રાજ્યની શક્તિ બતાવવા માંગતા હતા? આ કોઈ બોર્ડર નથી, તે તમારા જ નાગરિકો છે." કોર્ટે એ બાબતે પણ સવાલ ઉઠાવ્યો હતો કે આ મુદ્દો સિવિલ એડમિનિસ્ટ્રેશન પાસે કેમ ન મૂક્યો અને સીધી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર કેમ પડી? ત્યારે આ મુદ્દે હવે 16 એપ્રિલે સુનાવણી યોજાશે.

