VIDEO: અંબાજીના ભાદરવી પૂનમની મેળામાં આરોગ્ય વિભાગની મોકડ્રીલ
ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબાના દર્શનાર્થે લાખો માઈભક્તો અંબાજી ધામ પહોંચી રહ્યા છે. ગરમી અને ભીડ વચ્ચે યાત્રિકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર અને બનાસકાંઠા આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. યાત્રિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે અંબાજીના માર્ગો પર ૨૬ હંગામી આરોગ્ય કેન્દ્રો, બે ઇમરજન્સી મોબાઈલ વાહનો અને ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા ખડેપગે રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગની ક્ષમતા અને પ્રતિસાદ સમય ચકાસવા અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક વિશેષ મોકડ્રિલ યોજવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન દર્શન માટે જઈ રહેલા બે યાત્રિકોમાંથી એક યાત્રિક અચાનક બેભાન થઈ જવાનો ડ્રામા ઊભો કરાયો હતો. સુરક્ષા ગાર્ડ દ્વારા જાણ કરાતાં જ આરોગ્ય ટીમે સહેજ પણ વિલંબ કર્યા વગર દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ૧૦૮ મારફતે આગળની સુવિધામાં શિફ્ટ કર્યો હતો.

