VIDEO: અંબાજીમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: 19 માર્ચથી ગુંજશે 'જય અંબે'નો નાદ, જાણો ઘટ સ્થાપન અને આરતી-દર્શનનો નવો સમય
VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની વિશેષ ઉજવણી કરવામાં આવનારી છે. 51 શક્તિપીઠ પૈકીના મુખ્ય એવા આદ્યશક્તિ ધામ અંબાજીમાં ગુરુવાર 19 માર્ચથી ચૈત્રી નવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર આવનાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પવિત્ર નવલા નોરતાને ધ્યાનમાં રાખીને માઈભક્તોની સુવિધા માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરતું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
19 માર્ચે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન
ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે ગુરુવાર, 19 માર્ચ 2026ના રોજ સવારે 07:30 કલાકે મંદિરના ચાચર ચોકમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઘટ સ્થાપન કરવામાં આવશે. આ સાથે જ નવ દિવસીય અનુષ્ઠાનનો પ્રારંભ થશે. ભટજી મહારાજ જયશીલ ઠાકરના જણાવ્યા મુજબ, પરંપરાગત વિધિઓ સાથે માતાજીની આરાધના કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન દર્શનનું નવું સમયપત્રક
તા. 19/03/2026 થી તા. 26/03/2026 (આઠમ) સુધીનો સમય નીચે મુજબ રહેશે:
સવારની આરતી: 07:00 થી 07:30 કલાકે
સવારના દર્શન: 07:30 થી 11:30 કલાકે
રાજભોગ: બપોરે 12:00 કલાકે
બપોરના દર્શન: 12:30 થી 04:30 કલાકે
સાંજની આરતી: 07:00 થી 07:30 કલાકે
સાંજના દર્શન: 07:30 થી 09:00 કલાકે
આઠમ અને પૂનમના ખાસ દિવસોની વ્યવસ્થા
ચૈત્ર સુદ-8 (આઠમ) અને ચૈત્ર સુદ-15 (પૂનમ)ના દિવસે ભક્તોનો ભારે ધસારો રહેતો હોવાથી સવારની આરતી વહેલી એટલે કે 06:00 કલાકે કરવામાં આવશે. તા. 27/03/2026 થી દર્શનનો સમય ફરી રાબેતા મુજબ થઈ જશે. ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તોને આ સમયની નોંધ લેવા અને વ્યવસ્થા જાળવવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

