Ambaji news: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના 3જા દિવસ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું, જાણો વિગતવાર

Ambaji news: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ એવા બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી યાત્રાધામમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે પગપાળા અને અન્ય વાહનોમાં આવતા ભાવિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત જતા માર્ગો પર ભક્તોનું કિડિયારું ઉભરાયું છે. બધા માર્ગો જય અંબેના નારા સાથે ચોતરફ ભાવિકો નજરે પડી રહ્યા છે. પગપાળા જતા ભક્તોમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ, દિવ્યાંગ તમામ અંબાજી દર્શને જઈ રહ્યાં છે. ત્યારે ભાદરવી મહાકુંભાના બે દિવસમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા છે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના કુલ 3 દિવસમાં 14,99,674 ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગબ્બર પર દર્શન કરવા ઉડન ખટોલામાં આજે 28446 ભક્તોએ મુસાફરી કરી હતી. જ્યારે બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા 1,61,245એ પહોંચી હતી.
એસટી બસની કુલ ટ્રિપો 3,425 નોંધવામાં આવી હતી. પગપાળા આવતા સંઘોએ 1100 ધજા રોહણ કર્યા હતા. અંબાજી ભોજનાલયમાં ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા 1,74,820એ પહોંચી છે. જ્યારે અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 11,04,005 થઈ હતી. ચીકી પ્રસાદની સંખ્યા 13,372 થઈ છે. અંબાજી મંદિરના તમામ ભંડાર કેન્દ્રોમા આવક રૂપિયા 99,30,881 છે. આરોગ્ય વિભાગ દ્વારા 87,329 લોકોને સારવાર આપવામાં આવી હતી. મહામેળામાં બાળ સુરક્ષા 8,708 લોકોને આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મંદિરે દર્શને આવતા ભક્તો દ્વારા માતાજીને સોનાનું દાન કરવામાં આવે છે. મહામેળામાં ભાવિકો દ્વારા અપાયેલા સોનાની આવક 500.000 ગ્રામ નોંધાયું છે.

