Ahmedabad news: અમદાવાદમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસે લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

Ahmedabad news: અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારની જાણીતી અનિલ સ્ટાર્ચ મિલ પાસે ચાલુ વરસાદની સિઝનમાં ડ્રેનેજની સમસ્યા વકરી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ રહેલા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પ્રાથમિક સુવિધા તેમજ ગંદકીની રજૂઆત સ્થાનિક તંત્રને અનેકવાર કરવામાં આવી છતાં કોઈ નિકાલ ન આવતા આખરે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો.
જો કે, ચાલુ ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ગમે ત્યારે ફાટી નીકળે તેવી શક્યતા પણ સ્થાનિકો સેવી રહ્યા છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આખરે કંટાળી સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને રસ્તા પર આવી ગયા હતા. સ્થાનિકોએ ચક્કાજામ કરી આક્રોશ દાખવ્યો હતો. બીઆરટીએસ કોરિડોર અને રસ્તા રોકી ભારે વિરોધ ઠાલવ્યો હતો. આ વિરોધને લઈ ઘડીભર વાહનો, રાહદારીઓ અટવાઈ પડયા હતા.

