Video/ 'સમાજ સંગઠિત થાય ત્યારે રાજનીતિ કેમ?' – બાયડમાં ઠાકોર સમાજના સંગઠન પર્વમાં અલ્પેશ ઠાકોરનું આક્રમક નિવેદન
બાયડના માનપુર ખાતે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજનું વિશાળ સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ હાજરી આપી સમાજને એકતાનો સંદેશ આપ્યો હતો.
અલ્પેશ ઠાકોરનું આક્રમક નિવેદન
મંચ પરથી અલ્પેશ ઠાકોરે રાજકીય ચર્ચાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, "જ્યારે પણ ઠાકોર સમાજ સંગઠિત થવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમાં કેમ રાજનીતિ ઘુસાડવામાં આવે છે?" તેમણે સમાજના વિકાસ માટે સંગઠિત રહેવું અનિવાર્ય ગણાવ્યું હતું. અલ્પેશ ઠાકોરે મંચ પરથી સમાજના લોકોને દારૂ જેવા વ્યસનથી દૂર રહેવા કડક અપીલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ લાવવા માટે યુવાનોની એક મજબૂત ટીમ તૈયાર કરવાની તેમણે જાહેરાત કરી હતી.
ગાંધીનગર સંમેલન
આગામી 27 તારીખે પરોઢે 3 વાગ્યે ગાંધીનગર ખાતે યોજાનારા મોટા સંમેલન માટે તેમણે તમામ સમાજજનોને ભાવભીનું આમંત્રણ આપ્યું હતું.
અગ્રણીઓની ઉપસ્થિતિ
આ સ્નેહમિલનમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજેન્દ્ર ઠાકોર અને રાજેન્દ્ર ચાવડા જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સમાજને તમામ મતભેદો ભૂલીને એક થવા અને પ્રગતિના પંથે આગળ વધવા હાકલ કરી હતી.

