VIDEO: અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સરડોઇ અને મેઘરજમાં જળબંબાકાર, તંત્રની ઘોર બેદરકારી
અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજ પંથકમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોડાસાના સરડોઇ ગામે ધોધમાર વરસાદ ખાબકતા ગામના મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડુંગરો પરથી વહેતું પાણી સીધું ગામમાં પ્રવેશતા એક તરફ અદભુત નજારો સર્જાયો હતો, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા હતા. આ ઉપરાંત મેઘરજ શહેર, ધાંધિયા, વલુણા, બેડજ, રામગઢી, રેલ્લાવાડા અને ઇસરી પંથકમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. મેઘરજના આંબાવાડી વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોવા છતાં વહીવટી તંત્રની સતત નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

