ધનસુરામાં પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતા પોલીસ પર બિશ્નોઈ ગેંગનો હુમલો, બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ

અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે SOG પોલીસે સ્કોર્પિયોમાં પોશડોડા ભરેલા હોવાની બાતમીના આધારે કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની ગાડીને ટક્કર મારી હતી. સ્કોર્પિયોમાં બેઠેલા શખસોએ પોલીસ પર પિસ્તોલ તાકતા બચાવમાં SOG પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે, એટલામાં બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બંને આરોપી બિશ્નોઈ ગેંગના હોવાનું SOGએ જણાવ્યું હતું.
ધનસુરામાં પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર હુમલો
મળતી માહિતી મુજબ, ધનસુરામાં પોશડોડા હેરાફેરી મામલે આરોપી અને પોલીસ આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ હુમલાના ઈરાદે પિસ્તોલ કાઢતા પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ ગાડી સાથે કારની ટક્કર વાગતા પોલીસવાનના ડ્રાઈવર અને પીઆઈ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ વડા ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડરના ચેકપોસ્ટ સહિતના હાઈવે પર નાકાબંધી કરી સઘન તપાસ હાથ ધરી છે.

