VIDEO: આણંદની નદીમાં ન્હાવા પડેલા વેટનરી કૉલેજના 2 વિદ્યાર્થીઓના ડૂબી જતા મોત, ખનન માફિયાઓએ ખોદેલા ખાડા કાળ સાબિત થયા
VIDEO: આણંદ જિલ્લાના ખેરડા ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં રવિવારની રજા માનાવવા ગયેલા ચાર મિત્રો માટે આજનો દિવસ કાળમુખો સાબિત થયો છે. ઉનાળાની શરૂઆતમાં ગરમીથી રાહત મેળવવા નદીમાં ન્હાવા પડેલા આણંદ વેટનરી કૉલેજના ચાર વિદ્યાર્થીઓમાંથી બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે મિત્રોને સ્થાનિક તરવૈયાઓએ સમયસૂચકતા વાપરી બચાવી લીધા હતા.
જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, આ ચારેય યુવકો આણંદની વેટનરી કૉલેજમાં અભ્યાસ કરતા હતા અને હૉસ્ટેલમાં જ રહેતા હતા. આજે રવિવારની રજા હોવાથી તેઓ મિત્રો સાથે નદી કિનારે ફરવા અને ન્હાવા માટે આવ્યા હતા. જોકે, મહીસાગર નદીમાં લાંબા સમયથી ખનન માફિયાઓ દ્વારા આડેધડ રેતી ચોરી કરવામાં આવી રહી છે, જેના કારણે નદીના પટમાં ખતરનાક રીતે ઊંડા ખાડા પડી ગયા છે. આ ખાડાઓનો અંદાજ ન આવતા બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ
આ ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી રેતી ખનન માફિયાઓ નદીના પટને ખોદી રહ્યા છે, જેના કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાય છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિએ બે ભવિષ્યના ડૉક્ટરોનો ભોગ લીધો હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહને પીએમ (Post-Mortem) માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થીઓની ઓળખ વિધિ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

