Anand: લોનના બહાને આધેડ સાથે લાખોની ઓનલાઇન છેતરપિંડી, અલગ-અલગ બહાને ક્યુઆર કોડ મોકલી નાણાં પડાવ્યા

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વીરસદ ગામના એક ૫૯ વર્ષીય વ્યક્તિ સાથે બજાજ ફાઈનાન્સના નામે લોન આપવાના બહાને અંદાજે રૂ. 12,46,886ની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ છેતરપિંડી આશરે એક વર્ષ સુધી ચાલી હતી, જેમાં ગઠિયાઓએ અલગ-અલગ બહાને ક્યુઆર કોડ મોકલી નાણાં પડાવ્યા હતા.
બોરસદ તાલુકાના વીરસદની બ્રહ્મપોળ ખાતે રહેતા અશ્વીનકુમાર ગોરધનભાઈ પટેલ (ઉં.વ.59)એ વીરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, જૂન 2023 તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર હિન્દી ભાષી શખ્સે પોતે બજાજ ફાઈનાન્સમાંથી બોલે છે અને લોનની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી અશ્વીન ભાઈએ રૂપિયા 3 લાખની લોન હોવાનું જણાવ્યું હતું.
જે બાદ શખ્સે જણાવ્યું હતું કે, તમારે ફોર્મ ભરવું પડશે જેના 5,500 આપવા પડશે. જે અશ્વીનકુમારે વોટ્સએપ પર મોકલેલા ક્યુઆર કોડ દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ જૂન 2023થી મે 2024 દરમિયાન, આરોપીએ અલગ-અલગ બહાના હેઠળ અનેક ક્યુઆર કોડ મોકલી નાણાંની માંગણી ચાલુ રાખી હતી. અશ્વીનકુમારે મિત્રો પાસેથી ઉછીના નાણાં લઈને આરોપીને ટ્રાન્સફર કર્યા હતા. આરોપી ફરિયાદીને એવો વિશ્વાસ આપતો હતો કે, આ તમામ ભરેલા નાણાં લોન પાસ થયા બાદ પરત મળી જશે અને કુલ રૂપિયા 12,46,886 પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીને લોન ન મળી અને વધુ નાણાંની માંગણી કરવામાં આવી, ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ બાબતે તેમણે સાયબર હેલ્પલાઇન પર પણ સંપર્ક કર્યો હતો. અંતે અશ્વીનકુમારે 27 ડિસેમ્બર 2025ના રોજ વીરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

