Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના વડાએ ચાલુ ક્લાસમાં જ પ્રોફેસરને લાફો ઝીંક્યો

આણંદની વલ્લભ વિદ્યાનગરની પ્રતિષ્ઠિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. શિક્ષણ જગતને શરમાવે તેવી આ ઘટનામાં અંગ્રેજી વિભાગના વડાએ ચાલુ ક્લાસમાં અન્ય એક પ્રોફેસરને લાફો મારી દીધો હોવાની વિગતો બહાર આવતા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના ગત 18 માર્ચ 2026ના રોજ અંગ્રેજી વિભાગના વર્ગખંડમાં બની હતી. પરીક્ષાના બાકી રહેલા પેપરોની તપાસણી બાબતે અંગ્રેજી વિભાગના વડા ડો. પારુલ પોપટ અને ડો. મનીષ સોલંકી વચ્ચે દલીલો થઈ હતી. આ દલીલોએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે, ડો. પારુલ પોપટે મર્યાદા ઓળંગીને વિદ્યાર્થીઓની હાજરીમાં જ ડો. મનીષ સોલંકીને લાફો મારી દીધો હોવાનું કહેવાય છે. મૃદુલા આર્ય નામની મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની પોસ્ટ મૂકતા સત્ય બહાર આવ્યું હતું. ત્યારે આ ઘટના ખરેખર બની હતી કે કેમ અથવા તેની પાછળ અન્ય કોઈ કારણો જવાબદાર છે તે હજુ ચર્ચાનો વિષય છે. GSTV આ વાયરલ પોસ્ટની પુષ્ટિ નથી કરતું.

