Anand News: ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન, ભાજપ પ્રદેશ પ્રમુખે વ્યક્ત કર્યું દુ:ખ

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1943માં જન્મેલા ગોવિંદભાઈ પરમાર જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગોવિંદભાઈ પરમારના નિધનના સમાચાર X પર શેર કર્યા હતા. જેમાં તેમણે ગોવિંદભાઈના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતુ.
રાજકીય સફરની વાત કરીએ તો, ગોવિંદભાઈ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપેએ તેમના પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો.
સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદભાઈએ ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યા બાદ લોકસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના નિધનથી ઉમરેઠ પંથકમાં શોકની લહેર પ્રસરી છે.

