Anand news: ખંભાત PSI પી.ડી.રાઠોડ વતી લાંચ લેતા વચેટિયો ACBના છટકામાં ઝડપાયો

Anand news: આણંદ જિલ્લાના ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ વતી ગૌમાંસના ગુનામાં ફરિયાદીનું નામ ન લેવા 5 લાખની લાંચ માગતા અને રકઝક અંતે 3 લાખ લેવા આવેલા ખાનગી માણસ એસીબીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયો હતો. આણંદ એસીબીએ ગુનો નોંધી PSI વતી વહીવટ લેવા આવેલા શખ્સની ધરપકડ બાદ ફરાર પીએસઆઈ પી.ડી.રાઠોડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, ખંભાત શહેરમાં આણંદ એસીબીએ ગૌ-માંસના ગુનામાં લાખો રૂપિયાની લાંચ લેવાના વહીવટમાં ખાનગી માણસને ઝડપી પાડયો હતો. ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ ગૌ-માંસના ગુનામાં ફરિયાદીનું નામ ન દાખલ કરવા હોટલ ચલાવતા વ્યકિત પાસે 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જે થોડી રકઝકના અંતે 3 લાખની આપવાની વાત નક્કી થઈ હતી. જે બાદ આ વ્યકિતએ આણંદ એસીબીમાં ફરિયાદીએ ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું
હતું. રાત્રે 11 વાગ્યા આસપાસ ખંભાતમાં આણંદ ACBની ટીમે સપાટો બોલાવ્યો હતો.
આણંદ એસીબીના છટકામાં પીએસઆઈ પી.ડી. રાઠોડ વતી લાંચ લેવા આવેલો ખાનગી વ્યકિત મોહમ્મદ ઇમરાન આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. જે બાદ એસીબીએ ગુનો દાખલ કરી આરોપી ખાનગી માણસની ધરપકડ કરી હતી. ત્યારબાદ એસીબીએ ફરાર લાંચિયા પીએસઆઈને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. લાંચ લેવાના આરોપમાં પીએસઆઈનો વહીવટદાર ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

