Amreli / ધારી પંથકમાં કમોસમી વરસાદ સાથે આકાશી આફત: બોરડી ગામે વીજળી પડતાં 32 વર્ષીય યુવકનું મોત

અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ગઈકાલે (30મી સપ્ટેમ્બર) વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી આકાશી આફત વચ્ચે ધારીના બોરડી ગામે વીજળી પડવાની ઘટના સામે આવી હતી, જેમાં ખેતરમાં કામ કરી રહેલા 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.
ખેતરમાં મગફળીનું ઓપનર ચલાવતી વખતે બની ઘટના
મળતી માહિતી અનુસાર, બોરડી ગામે રહેતો 32 વર્ષીય યુવક આશી કુંજડિયા મોડી રાત્રે પોતાના ખેતરમાં મગફળીનું ઓપનર (થ્રેશર) ચલાવી રહ્યો હતો. આ દરમિયાન વીજળીના ભયાનક ગડગડાટ સાથે આશી કુંજડિયા પર સીધી આકાશી વીજળી ત્રાટકી હતી.
ગંભીર રીતે દાઝી ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા યુવકને પરિજનો દ્વારા તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો. રાત્રિના સમયે બનેલી આ કાળજાળ ઘટનાને પગલે બોરડી જેવા નાનકડા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

