Amreli / ખાંભા ગીરના ખડાધાર-બોરાળા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

સોર્સ : gstv
અમરેલી જિલ્લાના ખાંભા ગીર વિસ્તારમાં અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં દીપડાનું મોત થયું હતું. તુલસીશ્યામ રેંજ હેઠળ આવતા પીપળવા રાઉન્ડમાં ખડાધારથી બોરાળા વચ્ચેના રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
મૃત દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો
મળતી માહિતી અનુસાર, રોડ પરથી પસાર થઈ રહેલા દીપડાને કોઈ અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે દીપડાનું સ્થળ પર જ ગંભીર ઈજાઓને લીધે મોત થયું હતું. ઘટના બાદ વન વિભાગની ટીમ દ્વારા મૃત દીપડાને કબજે કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ તુલસીશ્યામ રેંજના વન અધિકારીઓએ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસવાની સાથે સઘન તપાસ હાથ ધરી છે.

