VIDEO: અમરેલીમાં મેઘતાંડવ / રાજુલામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, જાફરાબાદ-ખાંભામાં ડેમ ઓવરફ્લો; જુઓ લોકોના દિલધડક રેસ્ક્યુ
અમરેલીના રાજુલા, સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદ સહિતના તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. રાજુલામાં 4 જુલાઈની મોડી રાતથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં રાજુલામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પણ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, અમરેલીના જાફરાબાદ, લાઠી સહિતના તાલુકામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ થતાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. આ સાથે નદી-નાળા અને ડેમ છલકાયા છે. ધાતરવાડી ડેમ-2 અને રાયડી ડેમ ઓવરફ્લો થતાં દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ કર્યા છે.
રાજુલામાં બે કલાક 2 ઇંચથી વધુ વરસાદ
રાજુલા પંથકમાં 5 જુલાઈએ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં ડુંગર, માંડળ, કુંભારીયા, દેવકા, મોરંગી, જુની માંડરડી, ભેરાઈ, રામપરા, છતડીયા, હિંડોરણા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસમાં રાજુલામાં કુલ 8 ઇંચથી વધુ વરસાદ થયો છે.
રાજુલાના મોરંગી ગામે ધોધમાર વરસાદની નદીમાં ઘોડાપૂર આવ્યું. પ્રથમ વરસાદમાં જ મોરંગી ગામે રામતલિયા નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામજનો પૂર નિહાળવા ઉમટ્યા. જ્યારે રાજુલાના પીપાવાવ પોર્ટ માર્ગ પર 2 ફૂટ પાણી ભરાયા છે. પોર્ટ માર્ગમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.
જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ
જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં 4 જુલાઈની રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાતભર ભારે વરસાદ થતાં ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યારે જાફરાબાદના વઢેરા, કડિયાળી, નાગેશ્રી અને હેમાળ સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
રાયડી અને ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં દરવાજા ખોલાયા
અમરેલીના રાજુલા, ખાંભા સહિતના તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે, ત્યારે 0.30 મીટરના ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ધોધમાર વરસાદ કારણે સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે બંધ
ધોધમાર વરસાદ થતાં સાવરકુંડલાના બાઢડા પાસે આવેલા નવા બ્રીજ નિર્માણનો કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. સ્ટેટ હાઇવે બંધ થતાં સ્થળ પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે. આમ, સાવરકુંડલાથી મહુવા જતો હાઈવે બંધ થવાથી અમરેલીથી ભાવનગર જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી હોવાનું જણાય છે.
રાજુલામાં જળબંબાકાર, 6 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ


